પોલીસ અધિકારીઓની કામગીરીમાં રાજકીય નેતાઓ માથું મારે છે; તેનો જાત અનુભવ છે; પરંતુ રેવન્યૂ વિભાગમાં નેતાઓની દખલ કેવી હોય છે; તેનો ખ્યાલ તો ‘તેજોવધ’ પુસ્તક વાંચવાથી આવ્યો. આ પુસ્તકના લેખક છે પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ. તેઓ મામલતદાર તરીકે સીધી ભરતીથી 6 મે 2011ના રોજ નિમણૂંક પામ્યા હતા. તેમનો અજમાયશી સમય 2011થી 2019 સુધી રહ્યો; એટલે કે તેમને કન્ફર્મ કરવામાં ન આવ્યા. મહેસૂલ ખાતાને તેમની વર્તણૂંક સંતોષકારક લાગતી ન હતી. અજમાયશી સમયગાળા દરમિયાન ચિંતન વૈષ્ણવે લોઅર લેવલ/હાયર લેવલ ખાતાકીય એક્ઝામ પાસ કરી હતી. તેમને 22 જાન્યુઆરી 2013 ના રોજ ચાર્જશીટ આપવામાં આવ્યું. 24 જૂન 2016 ના રોજ એક ઈન્ક્રિમેન્ટ, બે વરસ માટે બંધ કરવાની શિક્ષા કરવામાં આવી. બીજું ચાર્જશીટ 3 ફેબ્રુઆરી 2014ના રોજ આપવામાં આવ્યું, જેમાં તેઓ નિર્દોષ ઠર્યા. 2 માર્ચ 2019 રોજ તેમને નાયબ કલેક્ટરનું પ્રમોશન આપવાને બદલે સરકારે તેમની નોકરી સમાપ્ત-ટર્મિનેટ કરી દીધી ! 2019માં તેમની ઉંમર 35 વર્ષની હતી. ટર્મિનેશનના હુકમને તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
થોડાં મુદ્દાઓ : [1] મામલતદાર ચિંતન વૈષ્ણવને અજમાયશી સમયગાળા દરમિયાન ઈન્ક્રિમેન્ટ મળે નહીં; છતાં એક ઈન્ક્રિમેન્ટ, બે વરસ માટે બંધ કરવાની ‘ચમત્કારી શિક્ષા’ કરવાનો કોઈ અર્થ ખરો? મતલબ કે આ શિક્ષાનો અમલ થયેલ ન હોવાથી તેને ધ્યાને લઈ શકાય? [2] એવા કેટલાંય કિસ્સાઓ છે જેમાં સરકારી અધિકારી ઉપર ACBનો કેસ થયો હોય છતાં પ્રમોશન આપવામાં આવે છે; જેલમાં લાંબો સમય રહ્યા હોય તેવા પોલીસ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે; સતત મલાઈદાર પોસ્ટિંગ આપેલ છે ! જ્યારે ચિંતન વૈષ્ણવ ઉપર આ પ્રકારનો કોઈ કેસ ન હતો; છતાં તેમને કાયમી કરી, પ્રમોશન આપવાને બદલે તેમની નોકરી સમાપ્ત કરી દીધી, તે ઉચિત કહી શકાય? [3] વિચારવા લાયક મુદ્દો એ છે કે જો મામલતદાર ચિંતન વૈશ્નવની કામગીરી નિષ્ઠાના અભાવવાળી હતી કે નબળી હતી; તો 2011 થી 2019 સુધીના તેમના ખાનગી અહેવાલોમાં તેમના મોટાભાગના ઉપરી અધિકારીઓએ ‘વેરી ગુડ’ રીમાર્કસ કેમ આપ્યા હશે? તેમનો અજમાયશી સમયગાળો જાણીજોઈને આઠ વર્ષ સુધી કેમ પૂરો કરવામાં ન આવ્યો? [4] સત્તાપક્ષના નેતાને ગાંઠે નહીં એટલે મામલતદારને નોકરીમાંથી તગેડી મૂકવાના?
ગુજરાત હાઈકોર્ટે 4 એપ્રિલ 2022ના રોજ પોતાના ચૂકાદામાં ઠરાવ્યું છે : “અજમાયશી સમયગાળા દરમિયાન ઈન્ક્રિમેન્ટ મળે નહીં; એક ઈન્ક્રિમેન્ટ, બે વરસ માટે બંધ કરવાની શિક્ષા કરવાના હુકમનો અમલ થયેલ નથી, તેથી તે હુકમને ધ્યાને લઈ શકાય નહીં. ઉપરાંત એપોઈન્ટિંગ ઓથોરિટીએ શરુઆતમાં બે વર્ષ માટે અજમાયશી સમય લંબાવ્યો હતો પરંતુ ત્યારબાદ 2019 સુધી તેમનો અજમાયશી સમય લંબાવેલ નહીં, તેથી તેમને ‘deemed confirmed’ ગણવા પડે ! એટલે તેમને અજમાયશી અધિકારી તરીકે terminate કરી શકાય નહીં ! ચિંતન વૈષ્ણવનો અજમાયશી ગાળો 8 મે 2014ના રોજ પૂર્ણ થયેલ, ત્યારે શિક્ષાનો અમલ કરેલ નહીં, કે ન તો સર્વિસ સમાપ્ત કરી ! નિમણૂંકના હુકમ મુજબ બે વર્ષનો અજમાયશી સમય હતો. પ્રોબેશનનો સમયગાળો પૂરો થઈ ગયો હતો અને મામલતદાર ચિંતન વૈષ્ણવને Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967ના નિયમ-10(A) મુજબ deemed confirmed ગણવા જોઈએ. (વર્ગ-1/2ના અધિકારીને 2 વર્ષના પ્રોબેશન ઉપર; વર્ગ-3ના અધિકારીને 1 વર્ષ પ્રોબેશન ઉપર રાખી શકાય અને ત્યારબાદ વર્ગ-1/2ના અધિકારીને 2 વરસથી વધુ મુદ્દતનો ન હોય તેટલો જ પ્રોબેશન ગાળો વધારી શકાય. વર્ગ-3ના અધિકારી માટે 1 વરસથી વધુ મુદ્દતનો ન હોય તેટલો જ પ્રોબેશન ગાળો વધારી શકાય. તેથી વધુ નહીં.) તેથી 2 માર્ચ 2019ના રોજનો નોકરી સમાપ્તિનો હુકમ રદ કરવામાં આવે છે. મહેસૂલ ખાતાને આદેશ આપવામાં આવે છે કે પૂર્વ મામલતદારને પુન: સ્થાપિત કરવા. તેઓ સેવામાં ચાલુ હતા તેમ માની તેના પરિણામલક્ષી લાભો તેમને ત્રણ મહિનાની અંદર આપી દેવા !” આખરે લડાકુ મામલતદારની/નિષ્ઠાની/સત્યની જીત થઈ છે !rs
~રમેશ સવાણી